Dritiya Avrutini Prasatavna

[raw]

દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના

૧ : વચનામૃત ગ્રંથની સર્વોત્કૃષ્ટતા

અક્ષરાધિપતિ અનંત મુક્તના સ્વામી, સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની મૂર્તિના તેજનો સમૂહ છે. તેમાંથી અનંત તેજનાં કિરણો પ્રસરે છે તે જેમ અક્ષરકોટી આદિને વિષે વ્યાપીને તે સર્વેને પ્રકાશમાન કરે છે, તેમ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખકમળની તેજના પ્રવાહરૂપ દિવ્ય પરાવાણી છે તે અનંત મુમુક્ષુ જીવોને તથા ઈશ્વરોને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન, ધ્યાન, ઉપાસના તેના સ્વરૂપને સમજાવીને અજ્ઞાનરૂપ અંધકારનો લય કરી આત્મા-પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે અને શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના આનંદનો અનુભવ કરાવે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત આ ઉદ્ધવીય સંપ્રદાયમાં સર્વોત્તમ ગ્રંથ વચનામૃત તુલ્ય જ્ઞાનશાસ્ત્ર આ બ્રહ્માંડમાં કોઈ નથી, કેમ જે વેદ, વેદાંત, ઉપનિષદ, સાંખ્ય, યોગ, ગીતાભાષ્ય, વ્યાસસૂત્ર આદિ આધ્યાત્મિક ગ્રંથોના સારરૂપ આ વચનામૃત અદ્વિતીય ગ્રંથ છે. શ્રીજીમહારાજે કહ્યું છે: ‘આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદશાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે.’ (મ. ૨૮)

આ વચનામૃત શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય વાણી છે. તેમાં શ્રીજીમહારાજે સર્વ શાસ્ત્રથી અતિશય અધિક પોતાનો સિદ્ધાંત છે, એમ જણાવ્યું છે. તે શ્રીજીમહારાજે પોતે જ કહ્યું છે: ‘આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો છે માટે દૃઢ કરીને રાખજો.’ (પં. ૧)

‘આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે ને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દૃઢતાની ગાંઠ પડ્યા વિના છૂટકો નથી, માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી એમ અમારી આજ્ઞા છે તેને ભૂલશોમા, જરૂર ભૂલશોમા.’ (લો. ૧૮)

‘અને આ વાર્તા એવી જીવનદોરી છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે, અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે, ને અનુભવમાં પણ એમ જ દૃઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે.’ (મ.૧૩)

શ્રીજીમહારાજના આવાં વચન છે તેથી કરીને જણાય છે જે સર્વ શાસ્ત્રના સિદ્ધાંત કરતાં પોતાનો સિદ્ધાંત અતિશય ચઢિયાતો છે. તે વચનામૃતમાં જ કહ્યું છે: ‘આવી રીતે વાર્તા અમે ઘણીકવાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસારતા નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી, ને ઠાવકી ઘેડ બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહિ, માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો ને લખજો.’ (મ. ૩૧)

૨ : વચનામૃતનું માહાત્મ્ય

આ વચનામૃત ગ્રંથનું જે સ્ત્રી-પુરુષ શ્રદ્ધા માહાત્મ્યથી વાચન, શ્રવણ, મનન આદિનો આગ્રહ રાખે છે તે ભક્તને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં કારણ જે એકાંતિક ધર્મ, સર્વોપરી શ્રીહરિની ઉપાસના, માહાત્મ્યે સહિત ભક્તિ અને સ્વરૂપનિષ્ઠા આદિ સર્વ સાધન સિદ્ધ થાય છે અને વચનામૃતના અભ્યાસને વિષે પ્રીતિવાળા જે ભક્ત થાય છે તે વ્યવહારમાં રહ્યા થકા જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહે છે અને શ્રીજીમહારાજની મૂર્તિની સ્મૃતિ તેઓને અખંડ રહે છે. અને જે સ્ત્રી-પુરૂષ વચનામૃતનું જ્ઞાન લક્ષ્યાર્થ કરે છે તેઓના દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવમાં રહેલા પંચવિષયના રાગ તથા કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિ દોષ માત્ર નિવૃત્તિ પામે છે.

અને શ્રીજીમહારાજે કહ્યું છે:- ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ।। કહેતાં જ્ઞાની ભક્ત મને પ્રિય છે. એ જ્ઞાન વચનામૃતમાં છે, પણ બાહ્યદૃષ્ટિવાળાને જેમ છે તેમ સમજાય નહિ પણ જેને અમારી મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ હોય અથવા સદગુરુની દૃષ્ટિ પ્રાપ્ત કરી હોય એને જ યથાર્થ સમજાય છે અને વચનામૃત તે મારી વાણીરૂપી મૂર્તિ છે; તેમાં હું અખંડ રહ્યો છું અને એ વચનામૃતનું જ્ઞાન સર્વ ભક્તને સમજાવીને મુક્તદશા પમાડું છું. અને વચનામૃત એ મારી પરાવિદ્યા છે અને પુરુષોત્તમરૂપ છે. અને પુરુષોત્તમ નારાયણ એવો હું તે મેં જ મારા મુખે કરીને મારા સર્વે આશ્રિતને વચનામૃતરૂપી અમૃતનું પાન કરાવ્યું છે અને મારી રુચિ તથા મારો રહસ્ય અભિપ્રાય તથા મારો સિદ્ધાંત તે સર્વે વચનામૃતમાં છે અને સત્સંગિજીવન, સત્સંગિભૂષણ ને હરિલીલા-કલ્પતરુ આદિ સર્વે શાસ્ત્રનું મૂળ કારણ વચનામૃત છે. અને વચનામૃતમાંથી જ મારું સર્વોપરી જ્ઞાન સમજાય છે ને તે સમજવાથી જ મારા સુખની પ્રાપ્તિ થાય છે. અને જે સભાને વિષે વચનામૃત વંચાય છે ને તેના રહસ્યનું વિવેચન થાય છે અને તેનું શ્રવણ થાય છે તે સભાને વિષે મુક્તે સહિત હું નિવાસ કરું છું અને જે સ્ત્રી-પુરૂષ પોતાના ઘરને વિષે વચનામૃતનું પુસ્તક રાખે છે અને તેનો પાઠ કરે છે તેના ઘરને વિશે ઉન્મત્તગંગા આદિ સર્વે તીર્થ નિવાસ કરે છે. અને જે સ્ત્રી-પુરૂષ માહાત્મ્ય સમજીને નિત્ય એક, બે કે પાંચ વચનામૃતનો પાઠ કરે છે તે મારા સ્વરૂપના જ્ઞાનની સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને જે નિત્ય એક વચનામૃત વાંચે છે તે પાંચસો પરમહંસને જમાડ્યાનું ફળ પ્રાપ્ત કરે છે. અને જે વચનામૃતનું શ્રવણ-મનન કરે છે તે શિખરબંધ મંદિરમાં અમારાં સ્વરૂપ પધરાવ્યાં છે તેમનાં દર્શન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. અને જે સ્ત્રી-પુરૂષ પોતપોતાના ધર્મમાં રહીને વચનામૃતની કથા બીજાને વાંચી સંભળાવે છે તેમના પર મારી પ્રસન્નતા થાય છે. અને સાક્ષાત્ પુરુષોત્તમ એવો જે હું તે વચનામૃત સ્વરૂપે સદા પ્રત્યક્ષ છું. અને જે સ્ત્રી-પુરૂષ ભગવાનની પ્રસન્નતાને અર્થે વચનામૃતનું પારાયણ કરાવે છે તે મારા અક્ષરધામને પામે છે ને જેઓ વચનામૃતનું રહસ્ય જ્ઞાન સત્પુરુષ થકી સમજે છે તે અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરે છે ને મૂર્તિના સુખભોક્તા થાય છે.’ આવો વચનામૃતમાં મહારાજનો અભિપ્રાય છે. માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં સર્વે શાસ્ત્રમાં વચનામૃત ગ્રંથ મુખ્ય છે.

૩ : એકાંતિકના લક્ષણ

મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘હે મહારાજ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.’ (પ્ર. ૧૧)

શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, ‘સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે?’ પછી એ પ્રશ્નનો ઉત્તર પોતે જ કર્યો જે, ‘એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે તે એકાંતિકપણું તે શું, તો ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય એ ત્રણે યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ.’ (લો. ૬)

‘વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે…જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.’ (પ્ર. ૬૦)

શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહિ ને પોતાને ચૈતન્યરૂપ માને અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહિ.’ (મ. ૨૨)

આવાં લક્ષણ એકાંતિક ભક્તના કહ્યાં છે અને એ ભક્ત સાધનદશામાં છે ને ભગવાનની કૃપાનો પાત્ર છે, આવા ભક્તને ભગવાન કૃપા કરીને સિદ્ધદશા પમાડે છે અને મુક્ત કરીને પોતાની પાસે અથવા પોતાની મૂર્તિમાં રાખે છે તેમાં જેને પોતાની પાસે રાખે તેમને પરમ એકાંતિક મુક્ત તથા મહામુક્ત કહેવાય છે અને મૂર્તિમાં રાખે તેને અનાદિમુક્ત તથા નિત્ય મુક્ત કહેવાય છે, તેમાં પ્રથમ પરમ એકાંતિકનું લક્ષણ કહીએ છીએ.

૪ : પરમ એકાંતિક મુક્તના લક્ષણ

એકાંતિકથી પર ને અધિક સ્થિતિવાળા એવા પરમ એકાંતિક મુક્ત છે તે શ્રીજીમહારાજ સમજાવે છે:- ‘ચાર પ્રકારના જે મોટા પુરુષ કહ્યા, તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન-કર્મ-વચને કરે, તો તે જીવના હૃદયમાં માહાત્મ્યે સહિત ભક્તિ આવે છે, તે વીજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા પરમ એકાંતિક સાધુ છે.’ (વ. ૩) આ વચનામૃતમાં એકાંતિક થકી પરમ એકાંતિકને અધિક સ્થિતિવાળા કહ્યા છે.’

‘સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારેકોરે પ્રમાણે રહિત છે; ને અનંત છે ને તે તેજના સમૂહના મધ્યભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે, ને તે સિંહાસનને ચારેકોરે અનંતકોટી મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે.’ (લો. ૧૪) આ મુક્તને પરમ એકાંતિક તથા મહામુક્ત નામે કહેવાય છે.

‘તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, એ મૂર્તિને ચારેકોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે; તે સર્વ મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે.’ (મ. ૧૩)

‘અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે.’ (છે. ૩૮)

‘અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંતકોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે.’ (પ્ર. ૬૩) ઉપરના જે જે વચનામૃતમાં મુક્ત કહ્યા તેમને પરમ એકાંતિક મુક્ત જાણવા.

૫ : અનાદિમુક્તના લક્ષણ

પરમ એકાંતિક મુક્ત થકી પર અને જેમને શ્રીહરિજી કૃપા કરીને પોતાની સાથે એકાત્મતા પમાડી પોતાની મૂર્તિમાં રાખે છે તેમને અનાદિમુક્ત કહેવાય છે તે જુઓ:- શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘હું તો અનાદિમુક્ત જ છું પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો.’ (પ્ર. ૧૮) આમાં શ્રીજીમહારાજે ‘હું અનાદિમુક્ત છું.’ એમ કહ્યું તેથી અનાદિમુક્તની સ્થિતિ અધિક જણાવી છે અને તે અનાદિમુક્તને શ્રીજીમહારાજનો આનંદ તથા દાસભાવ પરમ એકાંતિકથી અધિક છે.

‘અને નારદ-સનકાદિક જેવા અનાદિમુક્ત છે તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક વિષયને ભોગવે છે.’ (પ્ર. ૩૨) આમાં પણ શ્રીજીમહારાજે અનાદિ સંજ્ઞિક મુક્ત છે એમ જણાવ્યું છે ને તે પરમ એકાંતિક મુક્તથી અધિક સ્થિતિવાળા છે.

‘શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે તે જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય ધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.’ (છે. ૨૧) આમાં આ સત્સંગી કહ્યા તે ગોપાળાનંદ સ્વામી આદિક પોતાના અનાદિમુક્તને અધિક કહ્યા છે, માટે અનાદિમુક્તની સ્થિતિ પરમ એકાંતિક મુક્તથી અધિક છે.

‘એ ગૃહસ્થ હરિભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુરધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે.’ (મ. ૨૫) આમાં ચરણારવિંદ કહ્યું તે દાસભાવનો શબ્દ છે, પણ મૂર્તિમાં જ નિવાસ કરીને રહે છે એવો અભિપ્રાય શ્રીજીમહારાજનો જણાય છે.

‘અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે.’ (મ. ૬૬) એમ શ્રીજીમહારાજે કહ્યું એટલે શ્રીજીમહારાજે સાથે એકાત્મ્યપણું પામીને દાસભાવે શ્રીહરિજીના સળંગ સ્વરૂપનો સુખભોક્તા એવો અનાદિમુક્ત કરે છે, કેમ જે ભગવાન જેવો થવા કોઈ સમર્થ થતો નથી અને અનાદિમુક્ત છે તે પણ શ્રીજીમહારાજના દાસ પણ ‘પોતા જેવો જ કરે છે’ એ વાક્યથી અનાદિમુક્તની સ્થિતિ જે પરમ સાધર્મ્યપણું એટલે મૂર્તિ સાથે એકાત્મ્યપણું તેને પમાડે છે એમ જાણવું.

શ્રીજીમહારાજ પોતે જ અનાદિમુક્તની સ્થિતિ સમજાવે છે જે, ‘અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, ને તે સર્વે ની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે; માટે એ સર્વના કારણ જે પુરૂષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ, એવા જે એ ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરૂષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઈંન્દ્રિયો- અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે, ત્યારે તેમણે કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે.’ (પ્ર. ૫૧)

આ વચનામૃતમાં ‘પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ’ આમાં સમજવાનું એ છે કે, શ્રીજીમહારાજ કૃપા કરીને જે મુક્તને પોતાની સાથે એકાત્મતા પ્રાપ્ત કરાવે છે ત્યારે એ મુક્તના અંગેઅંગમાં ક્રિયાના કર્તા શ્રીજીમહારાજ થાય છે, તેમ જ શ્રીહરિજીની કૃપાથી મુક્ત પણ શ્રીજીમહારાજના સર્વે અંગમાં એકાત્મતા પામીને ‘પુરુષોત્તમની દૃષ્ટિએ’ એટલે પુરુષોત્તમના નેત્રે કરીને જુએ છે ત્યારે એને પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાસતું જ નથી; એક પુરુષોત્તમ જ દેખાય છે અને એ મુક્તને પુરુષોત્તમ વિના કોઈને વિષે સારપ કે મહત્તા રહેતી નથી તેથી એ કોઈને જોતા પણ નથી.

‘જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇંદ્રિયો-અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે.’ એમ જે કહ્યું તેમાં સમજવાનું એ છે કે, અવરભાવમાં પુરુષોત્તમનો મહિમા ને અનાદિમુક્તની સ્થિતિ તે સંતના સમાગમથી મુમુક્ષુઓને સમજાય છે ત્યારે, એનાં ઇંદ્રિયો-અંતઃકરણ ‘પુરુષોત્તમરૂપ’ એટલે પુરુષોત્તમના જ્ઞાન-ધ્યાને કરીને દિવ્ય થઈ જાય છે, ત્યાર પછી એને દિવ્ય ઇંદ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનો સંપૂર્ણ નિશ્ચય થાય છે, કેવી રીતે તો શ્રીજીમહારાજ પોતાની સાથે અનાદિમુક્તને એકાત્મ્યપણાને પ્રાપ્ત કરાવીને પોતામાં રાખે છે, એવા અનંત અનાદિમુક્તના સ્વામી શ્રીજીમહારાજ છે. આવો માહાત્મ્ય જ્ઞાને સહિત અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય છે.

અને પરભાવમાં મહિમા સમજાય છે ત્યારે, ‘એનાં ઇંદ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થાય છે’ એટલે એ મુમુક્ષુનો આત્મા જ પુરુષોત્તમના જેવો સાકાર અનાદિમુક્ત થાય છે ત્યારે તેમણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે એટલે એ અનાદિમુક્ત થયો તે જ અનાદિમુક્તના સ્વામી શ્રીજીમહારાજને જેવા છે તેવા સાક્ષાત્ અનુભવજ્ઞાને કરીને અનુભવી શકે છે.

આ અનાદિમુક્ત સ્થિતિની દૃઢતાને અર્થે શ્રીહરિજી હીરાના દૃષ્ટાંતથી સમજાવે છે, ‘જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે. અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે.’ (પ્ર. ૫૧)

આમાં ‘ભગવાનનો નિશ્ચય’ એટલે પરમ એકાંતિક મુક્ત તથા અનાદિમુક્તના સ્વામી શ્રીજીમહારાજ છે તે પોતાના મુક્તને પોતા સાથે એકાત્મતા પમાડે છે એટલે મૂર્તિમાં રાખે છે. આવો માહાત્મ્યજ્ઞાને સહિત નિર્વિકલ્પ નિશ્ચય ‘ભગવાન વતે થાય છે’ એટલે એવું માહાત્મ્યજ્ઞાન સંત દ્વારે કે શ્રીજીમહારાજ પોતે કૃપા કરીને સમજાવે છે તે જ સમજી શકે છે. આ નિશ્ચય અવરભાવનો છે.

અને પરભાવમાં અનાદિમુક્તની સ્થિતિ શ્રીહરિજી પોતે જ જેને પ્રાપ્ત કરાવે તેને જ પ્રાપ્ત થાય છે, અર્થાત્ અનાદિમુક્ત થાય છે તે શ્રીજી વતે જ થાય છે એટલે શ્રીજીમહારાજ જેને મૂર્તિમાં રાખે છે એ જ મૂર્તિનું સુખ લઈ શકે છે અને ‘ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે,’ એટલે અનાદિમુક્ત શ્રીજીમહારાજ સાથે એકાત્મતા પ્રાપ્ત કરીને એ મૂર્તિનાં દર્શન કરે છે એ શ્રીજીમહારાજ વતે જ શ્રીજીમહારાજનાં દર્શન કહેવાય છે.

પાંચ સાધન સિદ્ધ કરીને થયો જે એકાંતિક તેને શ્રીજીમહારાજ દિવ્ય સાકાર કરીને પોતાની મૂર્તિમાં રાખે છે. તે જુઓ:-

‘અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે ને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે અને શ્રુતિએ કહ્યું છે જે, ‘निरंजनः परमं साम्यमुपैति’ એ શ્રુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. (ત્યાર પછી લક્ષ્મીજીની માફક) તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે.’ (સા. ૧૧)

‘અમારા તુલ્યપણાને પામે છે.’ એનો ભાવ એવો છે જે અમારા જેવો દિવ્ય સાકાર થાય છે અને નિર્બંધન થાય છે અને ‘લક્ષ્મીજીની માફક અમારે વિષે ક્યારેક તો લીન થઈ જાય છે.’ એનો એવો ભાવ છે જે અમારા જેવો દિવ્ય સાકાર કર્યો તેને જ અમારી સાથે એકાત્મ્યપણું પ્રાપ્ત કરાવીને મૂર્તિમાં રાખીએ છીએ. અને ‘ક્યારેક સેવામાં રહે છે’ એટલે અવરભાવમાં જીવોના મોક્ષને અર્થે અમારી ઇચ્છાથી મનુષ્યરૂપે પ્રકટ થાય છે અને ‘સ્વતંત્ર થાય છે’ એટલે મૂર્તિનું, સુખનું અને મુક્તનું અપારપણું જાણી શકે એવો થાય છે, આ અનાદિમુક્તની સ્થિતિ જાણવી. હવે તેમને પણ સ્વામી-સેવકભાવ તો રહે છે જ, તે (મ. ૬૭માં) જુઓ:-

‘અમારો ભક્ત અમને જેવા જાણે તેવો થાય છે તો પણ અમારો મહિમા, સામર્થ્ય અને પ્રતાપ-ઐશ્વર્ય તે અતિશય અપાર દેખાય છે તેણે કરીને અમારે વિષે સ્વામી-સેવકપણું અતિ દૃઢ થાય છે.’ અને વળી ‘અમારા ભક્ત અમારા સરખા થાય છે’ એમ કહ્યું છે, એ પણ અમારું પરમ સાધર્મ્યપણું પામે છે કહેતાં મૂર્તિમાં રાખે છે એમ જાણવું. હવે સાધર્મ્યપણું કેવી રીતે સમજવું, તો સર્વે મુક્તનું સ્વામીત્વપણું, સુખદાતાપણું, નિયંતાપણું તે વિના રૂપ, ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ ઇત્યાદિક ગુણે સરખા તે સાધર્મ્યપણું જાણવું. આવી રીતે પરમ એકાંતિક મુક્ત થકી અનાદિમુક્તની સ્થિતિ અધિક શ્રીજીમહારાજે સમજાવી છે, ને તેમને પરમ એકાંતિક મુક્તથી સુખ પણ અધિક આવે છે ને દાસભાવ પણ અધિક રહે છે.

૬. સર્વોપરી ઉપાસના

શ્રીજીમહારાજની મૂર્તિ અતિશય શ્વેત, પ્રકાશમાન, સુખરૂપ ને અલૌકિક દિવ્ય છે. એવી દિવ્ય મૂર્તિમાંથી અનંત તેજના બંબ છૂટે છે, એવો જે તેજનો સમૂહ તે મૂર્તિને ચારે તરફ નીચે-ઉપર સર્વત્રપૂર્ણ અને અપાર છે. તે તેજ શ્વેત, ઘાટું, શીતળ અને શાંત છે એવું જે તેજ, તે ધામ તથા સિંહાસનરૂપે શોભા આપે છે અને તે તેજને શ્રીજીમહારાજે તેજ:પુંજ, અક્ષરધામ, બ્રહ્મમહોલ, બ્રહ્મ આદિ ઘણા નામે કરીને કહેલ છે. એ ધામના કારણ, આધાર તથા પરમ એકાંતિક અને અનાદિમુક્તના સ્વામી, સુખદાતા અને નિયંતા શ્રીજીમહારાજ છે.

શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારેકોરે પ્રમાણે રહિત છે ને અનંત છે ને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે, ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારેકોરે અનંતકોટી મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થાતાં ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિનાં દર્શને કરીને જ અતિ સુખ થાય છે, અમારે એવી રીતે ઉપાસના છે.’ (લો. ૧૪)

ભાવાર્થ- આ વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તેમાં અમે રહ્યા છીએ.’ આમાં સર્વેથી પર એટલે મહાપુરુષબ્રહ્મ, વાસુદેવબ્રહ્મ અને સૃષ્ટિકર્તા અક્ષરબ્રહ્મ એ ત્રિપુટીથી પર તેજનો સમૂહ કહ્યો છે તે શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો સમૂહ છે પણ મૂળઅક્ષરબ્રહ્મના તેજનો અથવા મુક્તના તેજનો સમૂહ છે એમ કહી શકાય જ નહિ, કેમ જે મૂળઅક્ષરનું તેજ તથા મુક્તનું તેજ તે તો શ્રીજીમહારાજના તેજમાં લીન થઈ જાય છે જેમ સૂર્યના તેજમાં તારાનું તેજ લીન થઈ જાય છે તેમ.

‘તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થાતાં ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે.’ તેનો હેતુ એ છે જે, વ્યતિરેક મૂર્તિનાં દર્શનથી આનંદ થવો જોઈએ, પણ મૂર્તિ વિના એકલું તેજ દેખાય તેથી આનંદ પામવો નહિ. આ તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજ પોતાના મુક્તોએ સહિત સદાય વિરાજમાન છે. આ તેજના સમૂહને અક્ષરધામ, બ્રહ્મ, આત્મા આદિ નામે કરીને વચનામૃત (મ. ૧૩, પં. ૧, પ્ર. ૪૫૬૬, લો. ૧૦, મ. ૧૦, કા. ૮, પ્ર. ૭૨, લો. ૧૭, પં. ૭, મ. ૪૨) આદિમાં કહેલ છે.

શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘મારી ઇંદ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિષે જે આકાશ છે તેને વિષે વર્તે છે અને તે હૃદયાકાશને વિષે અતિશય તેજ દેખાય છે, જેમ ચોમાસાને વિષે આકાશમાં વાદળાં છાઈ રહ્યાં હોય તેમ મારા હૃદયને વિષે એકલું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે ને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી; અતિશય શ્વેત જણાય છે, ને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે પણ ચારભુજ કે અષ્ટભુજ કે સહસ્રભુજ તે એ મૂર્તિને નથી; એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે ને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે, તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી દેખાય છે ને ક્યારેક હરતીફરતી દેખાય છે ને એ મૂર્તિને ચારેકોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે, તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ, અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું; પણ આ ગઢડું શહેર કે આ ઓસરી-એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહિ અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ-ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થાશે નહિ; સહેજે જિતાય જશે. અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, તથા પરબ્રહ્મ કહીએ, તથા પુરુષોત્તમ કહીએ.’ (મ. ૧૩)

ભાવાર્થ- ‘આત્મા’ તો જીવને કહેવાય છે અને આ વચનામૃતમાં શ્રીજીમહારાજે પોતાના તેજને ‘આત્મા’ કહ્યો તેનું કારણ એ છે જે, ‘ अततीति = सर्वत्र गच्छतीति आत्मा ’ જે સર્વમાં ગતિ કરે કહેતાં સર્વમાં વ્યાપે તેને આત્મા કહેવાય છે. ત્યાં દૃષ્ટાંત: જેમ જીવ પોતાના દેહમાં વ્યાપી રહે છે તેથી તે દેહનો આત્મા કહેવાય છે તેમ શ્રીજીમહારાજનું તેજ મૂળઅક્ષરબ્રહ્મને વિષે વ્યાપી રહ્યું છે માટે એ તેજ અક્ષરનું આત્મા, આધાર, દૃષ્ટા અને શરીરી છે તેથી આત્મા કહેલ છે, એ તેજ અક્ષરદ્વારે વાસુદેવબ્રહ્મ તથા મૂળપુરુષાદિક સર્વેનું આત્મા છે, માટે એ તેજને આત્મા કહેલ છે. અને ‘બ્રહ્મ’ એટલે ‘ अपार-महिमत्वात् सर्वे भ्योऽधिकं भवतीति ब्रह्म ’ તે બ્રહ્મનો મહિમા અપાર છે. અક્ષરાદિકથી અતિ અધિક હોવાથી બ્રહ્મ કહેવાય છે. અને ‘અક્ષરધામ કહીએ’ એમ કહ્યું તેમાં ‘અક્ષર’ એટલે અવિચળ અને ‘ધામ’ એટલે મુક્તોએ સહિત શ્રીજીમહારાજનું દિવ્ય નિવાસસ્થાન છે માટે ધામ કહ્યું છે.

અને એ પ્રકાશને વિષે મૂર્તિ છે તેને આત્માનું ‘તત્વ’ કહીએ- એટલે આત્મા જે એ મૂર્તિનું તેજ તેનું તત્વ એટલે કારણ કહ્યા છે. તથા ‘પરબ્રહ્મ’ કહીએ- એટલે બ્રહ્મ જે તેજનો સમૂહ તેથી પર છે માટે પરબ્રહ્મ કહ્યા છે. તથા ‘પુરુષોત્તમ’ કહીએ- એટલે સર્વે મુક્તોના સ્વામી, સુખદાતા ને નિયંતા છે માટે પુરુષોત્તમ કહેવાય છે, આવો ભાવાર્થ છે.

‘અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા એમને રહ્યાનું ધામ છે.’ (પં. ૧) તથા (લો. ૧૪, મ. ૧૩) આ ત્રણે વચનામૃતમાં શ્રીજીમહારાજે પોતાના તેજનાં જ અક્ષરધામ, બ્રહ્મ અને આત્મા આદિ નામ કહ્યાં છે અને પોતાને એ તેજરૂપ ધામના કારણ, સર્વ મુક્તના સ્વામી ને પુરુષોત્તમ કહ્યા છે, માટે પોતાના તેજનો સમૂહ એ જ અક્ષરધામ છે એમ આ વચનામૃતમાંથી સ્પષ્ટ રીતે સમજાય છે. આ વિના બીજાં કેટલાંક વચનામૃતોમાં પોતાના તેજને અક્ષરધામ તથા બ્રહ્મ નામે કહેલ છે અને એ ધામના કારણ ને આધાર પોતાને કહ્યા છે તે જોઈએ:-

શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે ને મહાતેજોમય મૂર્તિ છે અને સર્વત્ર પૂર્ણ એવું સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે.’ (પ્ર. ૪૫)

‘ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે, અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છે ને તેજ:પુંજ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે, તેમ બ્રહ્મસત્તારૂપ જે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે.’ (પ્ર. ૬૬)

‘આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે, આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે. અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે. અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટી જે મુક્ત તેના પણ આત્મા છે, એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જે ‘ध्युपतय एव ते न ययुरंतमनंततया’ ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે, તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઈ લેશમાત્ર પણ તેનું મન વિકારને પામે નહિ.’ (લો. ૧૦)

શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘જેમ અગ્નિ છે તે પ્રકાશ સ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે તેમ જ પુરૂષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે અને બ્રહ્મ છે તે તો પુરૂષોત્તમ ભગવાનની કિરણ છે ને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દૃઢ રાખવો.’ (મ. ૧૦)

વચનામૃત (પ્ર. ૪૫૬૬, મ. ૧૦, લો. ૧૦) આ ચારમાં શ્રીજીમહારાજે પોતાના મુખકમળથી સંત-હરિભક્તોને સમજાવ્યું છે જે, ‘અમે દિવ્ય સાકાર મૂર્તિમાન છીએ અને અમારો તેજ:પુંજરૂપ પ્રકાશ છે તે અમારું અક્ષરધામ છે. એ બ્રહ્મધામમાં મુક્તમંડળે સહિત અમે સદાય રહ્યા છીએ અને સર્વ મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા છીએ અને અક્ષરધામના કારણ, આધાર અને રાજાધિરાજ છીએ.’ આમ કહ્યું છે. માટે શ્રીજીમહારાજના તેજ:પુંજરૂપ બ્રહ્મ સાથે આત્માની એકાત્મતા કરીને તેમની ઉપાસના, ભક્તિ, ધ્યાન કરવાથી જ માયાના બંધનથી મુક્ત થઈને શ્રીજીમહારાજના અક્ષરધામમાં મૂર્તિનું સુખ પ્રાપ્ત કરાય છે. તે જુઓ:-

શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે ને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય, જ્યારે પ્રકૃતિપુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિષે અતિશય દોષ દૃષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિષે અતિશય વૈરાગ્ય પામે, તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે.’ (મ. ૩૦)

ભાવાર્થ- આ વચનામૃતમાં શ્રીજીમહારાજે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવાનું કહ્યું તેનો શો હેતુ હશે? તો મહાપુરુષબ્રહ્મ, વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષરબ્રહ્મ તેમને અને તેમના તેજને ચૈતન્ય બ્રહ્મ કહેવાય છે પણ એ ત્રણે બ્રહ્મને વિષે એકબીજાના ઉપરીનું શક્તિદ્વારે અન્વયપણું છે અને શ્રીજીમહારાજનું તેજ એ સર્વેનું આધાર, કારણ અને પ્રેરક છે, તેમાં પરાન્વય નથી માટે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ શ્રીજીમહારાજે પોતાના તેજને કહ્યું છે તે બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરવાનું કહ્યું તે શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે. આવો ભાવાર્થ છે.

શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘પુરૂષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ સમજવા, ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે.’ (છે. ૩૬)

આમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ ને સર્વના અવતારી સમજીને આશ્રય કરે અને ધર્મે સહિત અમારી ભક્તિ કરે અને એવી ભક્તિએ યુક્ત સાધુનો સંગ કરે તે કલ્યાણનું અસાધારણ સાધન છે એમ કહ્યું છે. આમાં અમારો ‘જે તે ભાવે કરીને આશ્રય કરવો તે કેવી રીતે તો શ્રીજીમહારાજ સર્વે અવતારના અવતારી છે અને બ્રહ્મજ્યોતિ જે અક્ષરધામ તેને વિષે અનાદિ સાકાર મૂર્તિ વિરાજે છે તે જ આ મનુષ્યરૂપે પ્રત્યક્ષ દર્શન આપે છે એમ સમજવું અને તે ભાવે કરીને આશ્રય કરવો.

શ્રીજીમહારાજના આવાં વચન ઘણાં વચનામૃતોમાં છે તેથી કરીને નિશ્ચય થાય છે જે, શ્રીજીમહારાજના અંગના તેજનો સમૂહ છે તે જ શ્રીજીમહારાજની ઇચ્છાથી અક્ષરધામ રૂપે થઈને શોભા આપે છે. આ તેજ:પુંજ ધામની શોભા બીજા ગોલોકાદિક ધામની શોભાથી અતિશય અધિક છે, જેમ આ લોકના રાજાના મહેલોથી ઇન્દ્ર-બ્રહ્માદિક દેવના સ્થાનકની શોભા અતિશય અધિક છે તેમ.

પ્રથમ જે (લો. ૧૪, મ. ૧૩, પં. ૧, પ્ર. ૪૫૬૬, મ. ૩૦, છે. ૩૮) એ આદિ વચનામૃતમાં શ્રીજીમહારાજના તેજ:પુંજને જ અક્ષરધામ કહ્યું છે અને મુક્તમંડળે સહિત શ્રીજીમહારાજ એ જ ધામમાં સદાય વિરાજમાન રહે છે અને પોતાના ધામનાં કિરણોએ કરીને સર્વે અક્ષરાદિકમાં વ્યાપીને પ્રકાશમાન કરે છે એમ કહ્યું, એ તો વચનામૃત પ્રમાણે જ છે, પણ પ્રથમના ૨૧મા વચનામૃતમાં અક્ષરનાં બે સ્વરૂપ કહ્યાં તે કેવી રીતે સમજવાં? તો એ જ વચનામૃતમાં કહ્યું છે તે જુઓ:-

‘અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને, ને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે, તે અક્ષરનાં બે સ્વરૂપ છે: એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ; બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે.’

ભાવાર્થ- આમાં ‘નિરાકાર એકરસ ચૈતન્ય’ કહ્યું તે શ્રીજીમહારાજે પોતાના તેજને કહ્યું છે અને ‘એ અક્ષરધામ બીજે રૂપે કરીને શ્રીજીમહારાજની સેવામાં રહે છે’ એમ કહ્યું, તે બીજું રૂપ કેવી રીતે સમજવું અને સેવા શી સમજવી? તો શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે તે મૂર્તિમાન મૂળઅક્ષરનું શરીરી, વ્યાપક, દૃષ્ટા, આત્મા ને આધાર છે તે મૂળાક્ષરમાં અંતર્યામીપણે રહીને તે મૂળઅક્ષર દ્વારે સર્વેની ઉત્પત્ત્યાદિક કરાવે છે તે મૂર્તિમાન અક્ષરને આ તેજરૂપ અક્ષરધામનું બીજું રૂપ કહ્યું છે અને સર્વેની ઉત્પત્તિ કરવી તે સેવા કહી છે, આવી રીતે અક્ષરના બે સ્વરૂપ જાણવાં.

આ નિરાકાર એકરસ બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ, તેની સાથે પોતાના આત્માની એકતા કરીને એ તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને ધ્યાન-ઉપાસના કરવાથી દેહભાવ ભૂલી જવાય છે ને સાધનકાળમાં જ આત્મા બ્રહ્મરૂપ એટલે મહાતેજ જેવો થાય છે, ત્યાર પછી એને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે ત્યારે મુક્તનો ચૈતન્ય શ્રીજીમહારાજનું સાધર્મ્યપણું પામે છે એટલે સિદ્ધકાળમાં શ્રીજીમહારાજના જેવો દિવ્ય સાકાર થઈને તેમની સેવામાં રહે છે, આમાં સ્વામી-સેવકભાવ નથી રહેતો કે નિરાકાર થઈ જવાય છે એવી શંકાને અવકાશ રહેતો જ નથી.

ઘણાં વચનામૃતમાં શ્રીજીમહારાજે પોતાના તેજ:પુંજને અક્ષરધામ અને બ્રહ્મ આદિ નામે કરીને કહેલ છે, એ તો યથાર્થ સમજાય છે, પણ (પ્ર. ૬૩માં) ‘અક્ષરધામ મૂર્તિમાન છે’ એમ કહ્યું તે શ્રીજીમહારાજના તેજને મૂર્તિમાન કેમ કહેવાય? તો આ ૬૩માં અક્ષરધામ મૂર્તિમાન કહ્યું છે એ તો સૃષ્ટિકર્તા મૂળઅક્ષરને અક્ષરધામ નામે કહ્યા છે માટે વિરોધ નથી અને આ અક્ષરમાં પુરૂષોત્તમ ભગવાન સદાય વિરાજમાન છે એમ કહ્યું, તે પણ (‘સમર્થ એવા જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષરરૂપે થાય છે.’ (પ્ર. ૬૩) એમ કહ્યું છે તેવી જ રીતે) શ્રીજીમહારાજ પોતે અન્વય સ્વરૂપે અક્ષરમાં પ્રવેશ કરીને રહે છે તેને જ અક્ષરમાં સદાય વિરાજમાન છે એમ કહ્યું છે. જેમ પ્રથમના ૭૮માં (પ્ર. ૭૮) ‘તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે’ એમ કહ્યું છે, તેમ અક્ષરમાં સદાય વિરાજમાન છે એમ જાણવું. અને એ મૂર્તિમાન અક્ષરને મોટા કહ્યા છે તે (પ્ર. ૭માં) ‘જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ’ આ પાંચ ભેદમાં સૃષ્ટિકર્તા વર્ગમાં અક્ષરને મોટા કહ્યા છે.

મધ્યના ત્રીજામાં ‘એ બ્રહ્મ થકી પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.’

આમાં પરબ્રહ્મને બ્રહ્મથી પર ને નોખા કહ્યા તે બ્રહ્મ તો પરબ્રહ્મનું તેજ છે, એ તેજથી પરબ્રહ્મને નોખા શી રીતે સમજવા તો કાર્ય-કારણપણે તથા આધાર-આધેયપણે નોખા કહ્યા છે, કેવી રીતે તો એ તેજરૂપ બ્રહ્મ છે તેના પરબ્રહ્મ કારણ છે ને આધાર છે અને બ્રહ્મ છે તે પરબ્રહ્મનું કાર્ય છે એમ નોખા કહ્યા છે.

બીજું આ (મ. ૩) વચનામૃતમાં જે વેદાંતી કેવળ નિરાકાર બ્રહ્મને માને છે અને એ બ્રહ્મના કારણ ને આધાર જે પરબ્રહ્મ મૂર્તિમાન છે તેને સમજતા નથી તે વેદાંતીને નિરાકાર તેજ:પુંજરૂપ બ્રહ્મના કારણ, આધાર ને સાકાર એવા પરબ્રહ્મ પરમાત્મા નોખા છે એમ સમજાવવા સારુ જ પોતાના તેજરૂપ બ્રહ્મથી પરબ્રહ્મ જે પોતે તે પોતાને નોખા કહ્યા છે. આવી રીતે (પ્ર. ૨૧૬૩, મ. ૩) આ ત્રણે વચનામૃતનો ભાવાર્થ તારવીને (લો. ૧૪, મ. ૧૦૧૩, પ્ર. ૪૫૬૬) એ આદિમાં તેજરૂપ અક્ષરધામ કહ્યું તેની સાથે સમન્વય સમજવાથી કોઈ જાતની શંકા રહેતી નથી.

૭: ઉપસંહાર

આ ગ્રંથની પ્રસ્તાવનામાં ગ્રંથનું માહાત્મ્ય તથા શ્રીહરિના એકાંતિક, પરમ એકાંતિક તથા અનાદિમુક્ત તેમનાં સ્વરૂપનો તથા શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાનો કિંચિત્ સારાંશ જણાવ્યો છે, પણ વચનામૃત ગ્રંથ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ તથા શ્રીજીમહારાજના દિવ્યભાવ-મનુષ્યભાવ, સગુણ-નિર્ગુણપણું, અન્વય-વ્યતિરેકપણું આદિ અનેક જ્ઞાનના ગહન વિષયોરૂપ મીઠા જળનો મહાસાગર છે તે સર્વેનો સારાંશ ગ્રંથ વિસ્તારને લઈને આપી શકાયો નથી.

આ પ્રસ્તાવના સનાતન ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી તથા સૌ સંત-હરિભક્તની પ્રસન્નતાને અર્થે લખી છે.

આ ગ્રંથના પ્રકાશક-મંડળ તથા મૂળજી ગોવિંદ મિસ્ત્રી, વીરજી વશરામ, ખીમજી અણદા, ભીમજી માવજી, કરસન દેવરાજ, શિવજી કેસરા, દેવજી જાદવા, લાલજી નારાયણ આદિ વૃષપુરના તથા ધનજી વેલજી, વેલજી કરમશી, રામજી શામજી (લાલજી), શામજી વાલજી (કાનજી) આદિ કેરાના તથા કુંવરજી કરસન, વાલજી ગોપાળ, હરજી શામજી, જાદવા તેજા આદિ ભારાસરના તથા માવજી રૂડા, કરસન રામજી, રવજી રૂડા આદિ માનકૂવાના તથા કરસન કુંવરજી, કલ્યાણ નારાયણ આદિ નારાયણપુરના તથા કરસન મેઘજી, શિવજી માવજી આદિ માધાપરના તથા લાલજી નારાયણ આદિ કુંદનપુરના તથા મૂળજી દેવશી આદિ મીરજાપુરના તથા લક્ષ્મણભાઈ રણછોડ દેગામના (જિ. સુરત) તથા અન્ય જે જે હરિભક્તોએ નિ:સ્વાર્થ અને પ્રેમભાવથી શ્રીહરિજીની પ્રસન્નતાર્થે જે આર્થિક સેવા કરી છે, તથા કોઠારી ગોરધનભાઈ તથા ગોવિંદજીભાઈએ જે તન-મનથી સેવાનો સાથ આપ્યો છે, તેમ જ આ ગ્રંથના પ્રૂફ સુધારવાં વગેરેમાં મુ. સોમચંદભાઈ તથા જે જે સંત-હરિભક્તોએ યથાશક્તિ ફાળો આપ્યો છે તે બદલ તેઓ સર્વેને શ્રીજીમહારાજ ને બાપાશ્રી અતિશય પ્રસન્ન થઈ તેમનાં સર્વે સાધન પૂરાં કરી શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા એવા અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખે એવા આશીર્વાદ આપીએ છીએ.

લિ. મુનિસ્વામી કેશવપ્રિયદાસજી પુરાણી

શ્રી સ્વામિનારાયણ મંદિર : અમદાવાદ

|| ——-x——- ||

[/raw]