Nivedan

[raw]

નિવેદન

આ અગાઉ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથની પાંચ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. હવે સત્સંગ સેવાર્થે આ છઠ્ઠી આવૃત્તિ ‘શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન’ તરફથી પ્રગટ કરતાં અનેરો હર્ષ અને ગૌરવ અનુભવાય છે. થોડાં વર્ષોના ગાળામાં આ મહાન ગ્રંથની છ-છ આવૃત્તિઓનું મોટી સંખ્યામાં પુનઃપ્રકાશન સત્સંગ સમાજમાં તેની લોકપ્રિયતા, ઉપયોગિતા અને મહત્તા પુરવાર કરે છે. એનું મૂળ કારણ એ છે કે એમાં સમાવિષ્ટ શ્રીહરિજીના મહાન અનાદિમુક્તના અંતરમાંથી નીકળેલી અનુભવવાણી શ્રીજીના સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપને ઓળખવાની ખરી દિશા બતાવે છે.

શ્રીજીમહારાજના વખતનો સમાજ મોટે ભાગે મહારાજના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન જીરવી શકે એવો પાત્ર ન હતો. આથી મહારાજના સમકાલીન સંત-મુક્તો આત્યંતિક કલ્યાણ માટે અનિવાર્યપણે જરૂરી એવું શ્રીહરિના સ્વરૂપનિશ્ચયનું જ્ઞાન કરાવવામાં સંકોચ અનુભવતા. વળી, મહારાજ પોતે પણ પોતાના ખરા સ્વરૂપને ઢાંકીને વર્તતા. આથી જીવો પાત્ર થતા જાય તેમ તેમ તેમને પોતાના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવાનું કાર્ય પોતાના મુક્તો દ્વારા સદાય ચાલતું રહે એવો શ્રીજીમહારાજે સંકલ્પ કર્યો.

શ્રીહરિજીના આ સંકલ્પ અનુસાર સંવત ૧૯૦૧માં કચ્છના વૃષપુર-બળદિયા ગામમાં મહાસમર્થ અનાદિમુક્ત અબજીબાપાશ્રી પ્રગટ થયા. તેમણે જીવોને મહારાજના સ્વરૂપને યથાર્થ રીતે ઓળખાવવાનું કામ પ્રારંભ્યું અને જીવનપર્યંત ચાલુ રાખ્યું. તેમનું દિવ્ય વિચરણ, સમાધિ સ્થિતિ, તપશ્ચર્યા, કડક આજ્ઞાપાલન વગેરે કેવળ જીવોના કલ્યાણ અને શિક્ષા અર્થે જ હતાં. તેઓશ્રીએ પોતાના દિવ્ય પ્રભાવ વડે મહારાજના સર્વોપરી સ્વરૂપનો સર્વત્ર ડંકો વગાડ્યો. પોતાના અણિશુદ્ધ વર્તન અને આદર્શ ચારિત્ર્ય દ્વારા અનેક મુમુક્ષુઓને પ્રભાવિત કર્યા ને સાચું નિર્દંભ જીવન જીવવાની પ્રેરણા આપી. તેમની અનુભવવાણી તેમના સમાગમમાં આવનાર મુમુક્ષુઓનાં મન ને હૃદય પર એવી ચમત્કારી અસર ઉપજાવતી કે તેમના અંતરમાં મહારાજના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ અંગે તત્કાળ હા પડી જતી. સત્સંગમાં સતત વિચરણ કરીને તથા મોટા બ્રહ્મયજ્ઞોનાં આયોજન દ્વારા અનેક મુમુક્ષુઓને આકર્ષી, તેમને મહારાજના એક અને એક માત્ર સર્વોપરી સ્વરૂપમાં જોડી દીધા. આત્યંતિક કલ્યાણ માટે કેવળ શ્રીજીમહારાજનું સ્વરૂપ જ ઉપાસ્ય છે એ રહસ્ય પ્રત્યે મુમુક્ષુઓને જાગૃત કર્યા.

શ્રીજીનું સ્વરૂપ કોઈને પણ સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય એ હેતુથી તેમ જ શ્રીજીમહારાજના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપની ઉપાસના અખિલ વિશ્વમાં પ્રવર્તે અને સર્વોત્કૃષ્ટ દિવ્ય સુખનો પ્રત્યક્ષ અનુભવ કરવાની મુમુક્ષુઓને સદાકાળ પ્રેરણા મળ્યા કરે એ માટે શ્રીમુખવાણી ‘વચનામૃત’ ગ્રંથ પર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી. આ ટીકામાં બાપાશ્રીએ શ્રીજીમહારાજની સર્વોપરીતા તથા તેમના અનાદિમુક્તોની શ્રીજીમહારાજના સ્વરૂપ સાથે આત્યંતિક રસબસ સ્થિતિનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. તદ્ઉપરાંત સર્વ અવતારના કારણ એવા શ્રીજીમહારાજના અવતારી સ્વરૂપનું પ્રતિપાદન વચનામૃત ગ્રંથમાં થયેલું છે, એ ગૂઢ રહસ્ય વચનામૃતમાંથી જ અનેક સંદર્ભ ટાંકીને બાપાશ્રીએ પુરવાર કરેલ છે. બાપાશ્રીના ઉત્તરો અનુભવજ્ઞાનમાંથી નિઃસૃત થયેલા હોઈ સત્યપૂર્ણ નિર્ભેળ વાણી છે એમ વાંચનાર સૌ કોઈને લાગ્યા વગર રહેશે નહિ. એ વાણીમાં કોઈ જગ્યાએ જરાયે સંદિગ્ધતા જોવા મળતી નથી. ઓછું ભણેલા તેમ જ નિરક્ષર ને અશિક્ષિત જનો પણ સમજી શકે તેવી સરળ ભાષામાં બાપાશ્રીએ ‘વચનામૃત’ ગ્રંથના રહસ્યજ્ઞાન અને તેમાં ગૂંથાયેલા અનેક આધ્યાત્મિક ગહન વિષયોના સ્પષ્ટ ખુલાસા આ ટીકામાં કરેલા છે. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ ને માન્યતાઓમાંથી મુક્ત બનીને વાચકો આ અનુભવવાણીના અભ્યાસમાં જેમ જેમ ઊંડા ઊતરતા જશે તેમ તેમ તેમને શ્રીજીના તત્ત્વજ્ઞાનનાં રહસ્યો સમજવામાં નડતી ગૂંચો ઉકેલાઈ જશે, અને શ્રીહરિના દિવ્ય સ્વરૂપનો અનુભવ કરવાની ખરી ચાવી હાથ આવશે. શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી પર્વતભાઈ તથા શ્રી અબજીબાપા જેવા સમર્થ અનાદિમુક્તોને પૃથ્વી પર પ્રગટ કરતા રહે એવી આપણે પરમ કૃપાળુ શ્રીજીમહારાજને પ્રાર્થના કરીએ, જેથી તેમના અલૌકિક પ્રભાવ દ્વારા સત્સંગમાં તેમ જ વિશ્વમાં પ્રવર્તતાં ભિન્ન ભિન્ન આધ્યાત્મિક મંતવ્યો વચ્ચે ચાલતો મિથ્યા વાદવિવાદ દૂર થઈ સમન્વય સધાય અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સર્વગ્રાહી ને સર્વજીવહિતાવહ આદર્શોના પ્રસાર-પ્રવર્તન વિશ્વમાં એક જ સૂરમાં થઈ શકે. આમ થાય તો જ માનવજાતનો આધ્યાત્મિક ને સામાજિક ઉત્કર્ષ સાચા અર્થમાં સધાય. તથાસ્તુ.

આ ગ્રંથના મૂળ પ્રસિદ્ધકર્તા અ. મુ. પૂ. શેઠ શ્રી બળદેવદાસ વલ્લભદાસ પરીખે પોતાના પ્રકાશનના સર્વ હક્ક ‘અ. મુ. અબજીબાપાશ્રી સ્મારક ટ્રસ્ટ’ ગુજરાતને આપેલા. સદર ટ્રસ્ટે અ. મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ ઠક્કર સ્થાપિત સર્વજીવહિતાવહ સંસ્થા ‘શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન’ તરફથી પ્રસિદ્ધ થયેલા જીવન ઘડતરમાં અતિ ઉપયોગી સુંદર પ્રકાશનોથી પ્રભાવિત થઈ પોતાને મળેલ પ્રકાશનના સર્વ હક્કો કાયદેસર લેખિત સ્વરૂપે તે સંસ્થાને સુપ્રત કર્યા છે. એ મુજબ આ ગ્રંથની છઠ્ઠી આવૃત્તિ મૂળ સ્વરૂપે છપાવી આ સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે મૂળ પ્રસિદ્ધકર્તા અ. મુ. પૂ. શેઠ શ્રી બળદેવદાસ પરીખને તથા ‘શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન’ સંસ્થાના સ્થાપક, પ્રેરક, સંવર્ધક અને સર્વ જીવોનું આત્યંતિક શ્રેય જ જેમના હૃદયમાં સતત ઉદભવતું રહેતું એવા વાત્સલ્યમૂર્તિ અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈને યાદ કરી તેઓશ્રીને હૃદયાંજલિ અર્પતાં કૃતજ્ઞતા અનુભવીએ છીએ. આ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાસ્થ પ્રશ્નો, બાપાશ્રીએ કરેલા તેના ઉત્તરો તથા વચનામૃતસ્થ તેમ જ ટીકાસ્થ વિષયાનુક્રમણિકાઓનું અકરાદિકક્રમેણ સંકલનનું અત્યંત કઠિન કાર્ય વિદ્વત્ત સંત-હરિભક્તોના સહયોગથી કરી, આ ગ્રંથ દ્વારા પ. પૂ. સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ સમગ્ર સત્સંગ તેમ જ માનવકુળ ઉપર ઉપકાર કર્યો છે.

સંસ્થાના સર્વજીવહિતાવહ ઉચ્ચતમ પ્રકાશનકાર્યમાં આજદિન સુધી સહાયરૂપ થયેલ સર્વે દાતાશ્રીઓ પર તેમ જ આ દિવ્યતમ પ્રકાશનનાં સંશોધન-સંકલન-મુદ્રણ વગેરે કાર્યમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મદદરૂપ થયેલ સેવકો ઉપર પરમ કૃપાળુ શ્રીજીમહારાજ, બાપાશ્રી, સદગુરુઓ તથા અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની પ્રસન્નતા સદાય વરસતી રહો એ જ અંતરની અભ્યર્થના !

– પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન

|| ——-x——- ||

[/raw]